લગ્ન કરવાનો હોવાનું માની બોયફ્રેન્ડ સાથે બાંધ્યો શરીર સંબંધ પણ પછી થયું એવું કે….

અન્ય

હું ૨૩ વર્ષની નોકરિયાત યુવતી છું. એક વર્ષ પૂર્વે એક યુવક સાથે મને પ્રેમ થયો હતો. તે મારી સાથે લગ્ન કરશે એવો મને વિશ્વાસ હોવાથી મેં તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો. જો કે તેણે ક્યારે પણ લગ્નનો ઉલ્લેખ કર્યો નહોતો. હવે મને ખબર પડી છે તે ડિવોર્સી છે અને તેના વેવિશાળ પણ થયા છે. આ જાણ્યા પછી હું ઘણી ડિપ્રેસ થઇ ગઇ છું. હું તેને ઘણો પ્રેમ કરું છું. યોગ્ય સલાહ આપવા વિનંતી.

* આ સંબંધ, ચાલ્યો ત્યંસુધી તમે બંનેએ એનો આનંદ માણ્યો હતો અને હવે તે તમને છોડી તેની જિંદગીમાં આગળ વધી ગયો છે અને તેણે તમને લગ્નનું વચન પણ આપ્યું નહોતું. આ સંજોગોમાં તેના તરફથી તમે કોઇ અપેક્ષા રાખી શકો નહીં. તમારી પાસે તેને ભૂલી તમારી જિંદગીમાં આગળ વધવા સિવાય બીજો કોઇ રસ્તો જ નથી ડિપ્રેસ થવાને કારણે તકલીફ તમને થશે. એ યુવકને તેની કોઇ અસર થવાની નથી. આથી ભૂતકાળ ભૂલી તમે તમારા જીવનમાં આગળ વધો એમા જ તમારી ભલાઇ છે.

હું ૧૭ વરસની છું. મને ૨૦ વર્ષના એક છોકરા સાથે પ્રેમ છે. જે બીજા શહેરમાં રહે છે. અમે નિયમિત રીતે મળતા નથી. પરંતુ ફોન પર ઘણી વાતો કરીએ છીએ. શું આ સાચો પ્રેમ છે? એવા મને વિચારો આવે છે તે મને સ્પર્શ કરે છે ત્યારે મને કોઇ પણ પ્રકારની લાગણી થતી નથી. માટે એ જાણવું છે કે શું અમારો સંબંધ ટકશે? યોગ્ય સલાહ આપશો.

* પ્રેમને ગંભીરતાથી સમજવા માટે તમારી ઉંમર ઘણી નાની છે. ઉંમર વધશે તેમ તમે તમારી લાગણીઓ સમજી શકશો. હમણા તમે તમારા સંબંધને પ્રેમનું નામ આપ્યા વગર આગળ વધારો. હમણા આ સંબંધ મૈત્રી પૂરતો જ સીમિત રહેવા દો. યોગ્ય ઉંમરે યોગ્ય નિર્ણય લો. આ તબક્કે તમારો સંબંધ ટકશે કે નહીં એ કહી શકાય નહીં. સમયને સમયનું કામ કરવા દો. આ વિચાર કરી મૂંઝાવાને બદલે લાંબા અંતરની મૈત્રીનો આનંદ માણો.

હું ૨૧ વરસનો યુવક છું. અમારો પરિવાર જૂનવાણી વિચારનો છે. છેલ્લા બે વરસથી હું એક છોકરીના પ્રેમમાં છું. તે ૧૯ વરસની છે. મારે તેની સાથે લગ્ન કરવા છે. પરંતુ તે મારી મામીની બહેન છે. મારો પરિવાર આ લગ્નની વિરુધ્ધ છે. હું એ છોકરીને ઘણો પ્રેમ કરું છું. મારે શું કરવું તે જણાવશો.

* ૨૧મે વરસે તમે કોઇ પણ ગંભીર નિર્ણય લેવા સમર્થ નથી. તમારી આ સમસ્યાનું નિરાકરણ સમય જ આપશે. હમણા તો તમારે ભણી-ગણીને સારી કારકિર્દી બનાવવાનો જ વિચાર કરવો જોઇએ. સમય વિતતા તમારા નિર્ણયમાં બદલાવ આવવાની શક્યતા છે અને લગ્નની ઉંમરે તમે આ સંબંધમાં મક્કમ હશો તો શક્ય છે કે તમારા પરિવારનો નિર્ણય પણ તમારી તરફેણમાં આવે. આથી હમણા આ બાબતની ચિંતા બાજુએ મૂકી એના કરતા પણ મહત્ત્વની વસ્તુ પર ધ્યાન આપો.

લોકોના અભિપ્રાયની મારા મન પર ઘેરી અસર થાય છે. કોઇ મારી ટીકા કરે એ હું સહન કરી શકતી નથી. આ કારણે મને ઘણું દુ:ખ થાય છે અને આખો દિવસ એના જ વિચારો આવે છે. હા, કોઇ મારી પ્રશંસા કરે એ મને ગમે છે. પ્રશંસા કરવામાં આવે નહીં તો મારે માટે કામ કરવું મુશ્કેલ બની જાય છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

* પ્રશંસા સાથે ટીકા સહન કરવાની હિંમત હોવી જોઇએ. કોઇ પણ વ્યક્તિ દરેકને ખુશ કરી શકતી નથી. અમે આમ પણ પ્રશંસા કોને ગમતી નથી? તમારે તમારા કામને કારણે થતી ટીકાને ગંભીરતાથી લેવી નહીં. તમે ૫૦ ટકા લોકોને ખુશ કરી શકો એ ઘણી મોટી સિધ્ધી છે. એક વાત તમે ટીકા સ્વીકારતા શીખી જશો પછી તમને દુ:ખ થશે નહીં અને આ પછી તમે તમારી જાત પ્રત્યેના તમારા અભિપ્રાયને બીજાના અભિપ્રાયથી વધુ મહત્ત્વ આપશો નહીં. ટીકા અને પ્રશંસા સિક્કાની બે બાજુ છે જેનો સ્વીકાર કર્યો જ છૂટકો છે.

હું ૧૮ વરસની છું. હું સ્પષ્ટવ્યક્તા છું. મારી આ આદતે મને મુશ્કેલીમાં મૂકી દીધી છે. મારા કેટલાક જૂનવાણી સગા સંબંધીઓએ મારે વિશે ખરાબ અફવા પણ ઉડાડી છે આ કારણે મને ઘણું ટેન્શન થાય છે. મારે શું કરવું એ જ હું સમજી શકતી નથી. યોગ્ય સલાહ આપશો.

* તમે વાણી સ્વાતંત્ર્યમાં માનો છો એ વાત સમજી શકાય તેવી છે. પરંતુ વડીલો સાથે વાત કરતી વખતે તમારે તમારી વાણી પર થોડો કાબુ રાખવાની જરૂર છે. દરેક વ્યક્તિને આવો સ્વભાવ પસંદ પડતો નથી. આથી તેઓ તમારી વિરુધ્ધ વાત કરે એ સ્વાભાવિક છે. ‘કાણાને કાણો કહે વરવું લાગે વેણ’ એ ઉક્તિ તો તમને ખબર જ હશે આથી બોલતી વખતે જરા વિચાર કરી શબ્દો તોળી-તોળીને બોલતા શીખો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *