આખા ગુજરાતમાં પહેલું એવું ગામ, જ્યાં પુષ્કળ ઠંડીમાં કેરીઓ પાકે છે, 1 કિલો કેસર કેરીનો ભાવ રૂ.501

ખબરે

ફળોનો રાજા એવી કેસર કેરી જે રાજ્યમાં ગીરની કેસર કેરી અને હવે પોરબંદર જિલ્લાની સ્થાનિક બિલેશ્વર, ખંભાળા અને કાટવાણા કેરીની પણ બજારમાં સારી માંગ રહે છે. કેરી એ ઉનાળુ ફળ ગણાય છે અને ઉનાળામાં જ કેરી વેચાણ માટે બજારમાં આવતી હોય છે. આ વખતે વાતાવણમાં બદલાવ કે પછી અન્ય કોઈ કારણોસર ઉનાળાને બદલે ભરશિયાળે આંબામાં કેરીનો ફાલ આવતા કેરીના આંબા ધરાવતા ખેડૂતોથી લઈને વેપારીઓ સહિત સૌ કોઈ માટે આ બાબતને લઈને ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે.

ઊંચો ભાવ મળતા વેપારીઓ અને ખેડૂતોમાં ખુશી : પોરબંદરના બિલેશ્વર અને ખંભાળા સહિતનાં ગામોમાં આ વર્ષે બે-ત્રણ મહિના પહેલાં આંબામાં કેરીના મોર જોવા મળી રહ્યા છે. કોઈક આંબામાં તો કેરીની આવક થતાં આજે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીનું આગમન થયું હતું. ત્રણ કેરેટ કેરી એટલે કે, 60 કિલો કેરીની આવક થતાં કેસર કેરીની હરાજી કરવામાં આવી હતી. ભરશિયાળે કેસર કેરી આવતા કેરીના વેપારીએ ગુલાબ અને પેંડા વેચીને કેરીને આવકારી હતી અને હરાજી વખતે મોટી સંખ્યામાં લોકોનાં ટોળા વળ્યાં હતાં. સાડા ત્રણસો રૂપિયા કિલોથી શરૂ થયેલી હરાજી આખરે 501 રૂપિયે કિલો કેરીનો ઊંચો ભાવ બોલાયો હતો. પ્રથમ વખતની હરાજીમાં જ કેરીનો 501 જેટલો ઊંચો ભાવ મળતા વેપારીઓ અને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

વાવેતર કરનાર ખેડૂતો પણ આશ્ચર્યમાં મુકાયા : પોરબંદર જિલ્લાના બિલેશ્વર, ખંભાળા તેમજ કાટવાણા સહિતના ડેમ કાંઠે આવેલાં ગામોની જમીનને જાણે કે આંબાનો પાક માફક આવી ગયો હોય તેમ છેલ્લાં થોડાં વર્ષોથી અહીં મબલખ કેસર કેરીનું ઉત્પાદન થાય છે. પોરબંદર જિલ્લાનાં આ સ્થાનિક ગામોની કેસર કેરીની ગુણવત્તા અને ફળ મોટું હોવાથી સ્થાનિક બજારમાં તેની ભારે માંગ રહેતી હોય છે. આમ તો દર વર્ષે ઉનાળામાં માર્ચ મહિનાથી કેરીની આવક બજારમાં થતી હોય છે. પરંતુ આ વખતે ભરશિયાળે કેસર કેરીના અમુક આંબાઓમાં ફાલ આવતા કેરીનું વાવેતર કરનાર ખેડૂતો પણ આશ્ચર્યમાં મુકાયા છે. તો સાથે આટલા મહિના પહેલાં કેરીનાં મોટાં ફળ આંબામાં પાકતાં ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી રહી છે.

હું 15 વર્ષથી આ લાઈનમાં છું પણ આ સિઝનમાં કેરીનું આગમન નથી થયું : વેપારી : કેરીના વેપારી નીતિન દાસાણી જોડે વાત કરતા એમણે જણાવ્યં હતું કે, પોરબંદરમાં લોકલ ડિસ્ટ્રિક્ટમાં હનુમાનજન, કાટવાણા, ખંભાળામાં આ વાતાવારણની અસર વચ્ચે અગાઉથી કેરીનો પાક આવી ગયો છે. આમ તો કેરીનો પાક માર્ચ મહિનાથી શરૂ થાય છે. આ વખતે વાતાવરણ અનુકૂળ લાગવાથી અમુક આંબામાં વહેલી કેરી આવી છે, અને આજે કેરીનું આગમન થયું હતું. આજે હરાજીમાં ઊંચામાં ઊંચો ભાવ એટલે કે, એક કિલો કેરીનો 501 રૂ. ભાવ થયો છે. કેસર કેરી રાજ્યમાં આજની તારીખમાં ક્યાંય પણ નથી આવી. આ સમયમાં અમારે ત્યાં આ કેરી આવી એ જોઈ અમને પણ આશ્ચર્ય થાય છે અને કેસરનો 501 રૂ. ભાવ સૌરાષ્ટ્રની અંદર પણ ક્યાંય નથી જે ભાવ અહીંયા હરાજી વખતે આવ્યો છે. વધુમાં વેપારીએ જણાવ્યું હતું કે, હું 15 વર્ષથી આ લાઈનમાં છું પણ મેં નથી જોયું કે આ સમયમાં અને આ સિઝનમાં કેરીનું આગમન થાય.

આ રેકોર્ડ છે કે શિયાળામાં કેરી આવી: ખેડૂત : કેરી વેચાણ માટે આવેલા ખેડૂત સંજય ચુડાસમાએ જણાવ્યું હતું કે, ફોદાળા ગામમાં 7થી 8 આંબામાં બિલેસર કેરી આવી છે અને હું અહીં ફ્રૂટ માર્કેટમાં લઈને આવ્યો છું. અહીં હરાજી કરાવી છે. નીતિનભાઈએ કહ્યું હતું કે, હરાજી સારી છે એટલે તમે કેરી લઈને આવો, 3થી અઢી મણ જેટલી કેરી છે. આમ તો ઉનાળામાં કેરી આવે છે પણ આ વખતે આગોતરી કેરી આવી એટલે હું માર્કેટમાં વેચાણ માટે લઈને આવ્યો છું. ખેડૂતે વધુમાં કહ્યું કે મેં શિયાળામાં ક્યારેય કેરી જોઈ નથી આ રેકોર્ડ છે કે શિયાળામાં કેરી આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *