સુરત: પ્રેમમાં પાગલ મહિલા કર્મીએ ઓફિસમાં જ અધિકારીને તસતસતું ચુંબન કર્યું

અન્ય

સુરતમાં જીએસટી ઓફિસમાં એક અધિકારીની પાછળ મહિલા સહકર્મચારીને પ્રેમ ઉભરાઇ આવતા ઓફિસમાં જ એક દિવસ આવેગમાં આવીને તસતસતું ચુંબન કરી લેતા કર્મચારીઓ સ્તબ્ધ બની ગયા હતા. જીએસટી વર્તુળમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે. અચાનક મહિલા સહકર્મચારીના આવા વર્તનથી ગભરાયેલા અધિકારીએ મહિલા કર્મચારીને પોતાની ઓફિસમાં આવવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.

જીએસટીના અધિકારી ઓફિસના કામ માટે મહિલા કર્મચારીને જરૂરી સૂચના આપવા કે મિટિંગ માટે અન્ય કર્મચારીને મળતા હોય તે જ પ્રમાણે મળવાનું થતું હોય છે, પરંતુ મહિલા સહકર્મચારીને દેખાવડા એવા અધિકારી પર પ્રેમ ઉભરાઇ આવતા હાલ તો પ્રેમ આફતરૃપ સાબિત થઇ રહ્યો છે. કારણકે એક દિવસ ઓફિસ સમય દરમિયાન જ મહિલા સહકર્મચારી તેમની ઓફિસમાં જઇને અચાનક ચુંબન કરી લીધું હતું. ડઘાઇ ગયેલા અધિકારી તાબડતોબ ઓફિસની બહાર નીકળી ગયા હતા. તે દિવસથી આજ દિવસ સુધી મહિલા સહ કર્મચારીને પોતાની ઓફિસમાં આવવા દેવાની જ ના પાડી દેવામાં આવી છે. તેમ છતાં કામ માટે આવે તો તેમની સાથે અન્ય મહિલા કર્મચારી અને પુરુષ કર્મચારીને સાથે રાખીને જ પ્રવેશ આપવાની સૂચના આપી દીધી છે.

પ્રેમમાં પાગલ થયેલી મહિલા સહકર્મચારીએ પોતાના કોમ્પ્યુટરનો પાસવર્ડ પણ જેના પ્રેમમાં ભાન ભૂલી છે તેવા અધિકારીના નામે રાખ્યો હોવાની વિગતો જાણવા મળી છે. એક દિવસ કોમ્પ્યુટર બંધ થતા રિપેર કરાવ્યું હતું. બાદમાં પાસવર્ડ જણાવવાનું કહેતા ના પાડી હતી અને પોતે ટાઈપ કર્યો હતો જે અધિકારીના નામનો હોવાની ચર્ચા છે.

ઘરના પ્રસંગમાં પહોંચી જતા અધિકારી ભાગતા થઈ ગયા

અધિકારીના ઘરે રાખવામાં આવેલા એક પ્રસંગમાં મહિલા કર્મચારી પણ અચાનક પહોંચી ગઇ હતી. આ જોઈ અધિકારીની આંખ પહોળી થઇ ગઇ હતી. તેમજ ઓફિસમાં કરેલી કરતૂત અચાનક યાદ આવી ગયા બાદ પોતાના ઘરે પણ આવી જ કોઇ કરતૂત કરે તે પહેલાં અધિકારી ભાગતા થઇ ગયા હતા. તેમજ જ્યાં સુધી મહિલા કર્મચારી ઘરના પ્રસંગમાંથી વિદાય નહીં થઇ ત્યાં સુધી દેખાયા સુધ્ધાં નહીં હોવાની પણ વિગતો જાણવા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *