કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડાઓ પર નજર નાખીએ તો કોવિશિલ્ડ અને કોવેક્સિન લગાવ્યા બાદ પણ દેશમાં 25000 જેટલા લોકોને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ 4208, જ્યારે બીજો ડોઝ લીધા બાદ 695 લોકો પોઝિટિવ થયા હતા.
જ્યારે કોવિશિલ્ડની વાત કરીએ તો દેશમાં 11 કરોડ લોકોને આ રસી મૂકવામાં આવી છે. આ રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ 17145, જ્યારે બીજો ડોઝ લીધા બાદ 5014 લોકોને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. આવી સ્થિતિમાં કોરોના વેક્સિનની સુરક્ષા ઉપર સવાલો ઉઠી રહ્યા છે.
મોટાભાગના કેસ પ્રથમ ડોઝ લીધા બાદ સામે આવ્યા છે. દરમિયાન, જો કોઈ વ્યક્તિ રસીનો પહેલો રોજ લીધા બાદ કોરોના સંક્રમિત થઈ જાય તો બીજો ડોઝ કેટલા દિવસો પછી લેવો જોઈએ? તેવા પ્રશ્નો લોકોમાં ઊઠી રહ્યા છે.
લોકોના મનમાં ઉઠી રહેલા આ સવાલના જવાબમાં આરોગ્યના તજનોનું કહેવું છે કે, પ્રથમ ડોઝ લીધા બાદ જો કોઈ વ્યક્તિ કોરોના પોઝિટીવ થઇ જાય તો પ્રથમ ડોઝના આઠ અઠવાડિયા એટલે કે બે મહિના બાદ બીજો ડોઝ લે તે હિતાવહ છે. કોરોનાના સંક્રમણના ભરડામાં ન આવ્યા હોવ તો પણ બીજો ડોઝ છથી 8 અઠવાડિયા બાદ જ લેવો જોઈએ તેવી સલાહ સ્વાસ્થ્ય ક્ષેત્રના તજજ્ઞો આપી રહયા છે. એકંદરે બીજો ડોઝ આઠ અઠવાડિયા બાદ લગાવવો હિતાવહ છે.