ઑફિસનું કામ આટોપવામાં ગળાબૂડ ભાવિકાને ખબર જ ન રહી કે ક્યારે સાત વાગી ગયા. પિન્કી, નંદિની, સુસ્મિતા, વિશાખા…. જોતજોતાંમાં બધાં નીકળી ગયાં હતાં. પણ મયંકના અવાજથી થોડીક રાહત થઇ કે સેલ્સ વિભાગમાં હજી કેટલાક કર્મચારીઓ બેઠા છે. પોતે સાવ એકલી નથી. થોડીક ફાઇલો સરખી કરીને તે ઘેર જવાનો વિચાર કરતી હતી ત્યાંજ મયંકે તેને પૂછ્યું, ‘હજી સુધી તમે ઘરે ગયાં નથી?’
‘બસ, થોડીવારમાં જ નીકળું છું.’ ભાવિકાએ ઔપચારિક સ્મિત વેરતાં કહ્યું. હજી પણ મયંકની આંખોમાં ભાવિકાની સાથે થોડીક પળો વિતાવવાની ઝંખના અગાઉની જેમ ડોકાય છે. ભાવિકા પણ મયંકની નિકટતામાં થોડીક નિરાંત અનુભવે છે. પણ જરૂરતથી વધુ સમય તેની સાથે વિતાવવા તે ક્યારેય રાજી થતી નથી. ‘તમને બસ સ્ટેન્ડ સુધી મૂકી જાઉં? બહાર ખાસું અંધારું છવાઇ ગયું છે. ‘ઓહ, શ્યોર!’ ભાવિકાએ દબાતા સ્વરે હા કહી.
ભાવિકાને થોડીક પળો માટે મયંક સાથે ચાલવાનું ગમે છે. અગાઉ પણ એકાદવાર તેણે મયંકના આગ્રહને માન આપ્યું હતું. તેને એમ લાગે છે કે મયંક સાથે હોય ત્યારે તેની એકલતા છૂ થઇ જાય છે. પરંતુ મયંક કંઇક બીજું જ શોધી રહ્યો છે. ‘તમે આજેય પહેલાની જેમ ચૂપ કેમ છો?’ ‘કંઇ નહિ. બસ એમજ’ ભાવિકાએ ટૂંકો ને ટચ જવાબ આપ્યો.
તે કેવી રીતે કહે કે કૉફી હાઉસમાં કલાકો સુધી મયંક સાથે બેસી રહેવાનું મન તેને થાય છે. કૉફીના ઘૂંટ સાથે આખા દિવસનો હેવાલ, ઑફિસના પોલિટિક્સ અને પોતાની એકલતાની ચર્ચા કરે. પણ મયંકને તેણે ખાસ વ્યક્તિમાં ક્યારેય સ્થાન આપ્યું નથી. ઉંમરમાં તે કેટલો નાનો છે? સતત ગણતરીઓમાં ગળાડૂબ રહેતો સેલ્સ વિભાગનો અધિકારી તેની ભાવનાઓના ઊંડાણને કઇ રીતે સમજી શકશે? મયંક તેની પાસે શી અપેક્ષા રાખે છે? માત્ર સાંનિધ્ય કે પ્રેમ? કે બંને? તેને માટે આ કદાચ ટાઇમપાસ તો નહિ હોય ને?
હકીકત તો એ છે કે સુરેશ ખાસ વ્યક્તિ છે, કેમકે તે એનો પતિ છે. પણ એની સાથે કૉફી પીવાનું અને વિનાકારણ પ્રેમની મસ્તીમાં ડૂબીને ફરવાનું ક્યાં બને છે? ઘડિયાળની ટકટક વધુ વખત બેસવા નથી દેતી. દિલ્હીમાં બદલી થયા બાદ સુરેશનું મુંબઇ આવવાનું કેટલું ઓછું થઇ ગયું! એવામાં કૉફીહાઉસમાં એક કપ કૉફી પીવી એ પણ સમય વેડફવા જેવું લાગે છે.
ભાવિકાના મનમાં કેટકેટલા અભરખા ઢબૂરાઇને પડયા છે…… કાલા-ખટ્ટા પીવાના ફાસ્ટ ફુડ ખાવાના, કોઇક મોલમાં નિરાંતે લટાર મારતાં શોપિંગ કરવાના, એકાદ મલ્ટીપ્લેક્સમાં મોડી રાત્રે ફિલ્મ જોવાનાં તો વળી ક્યારેક મરીનડ્રાઇવની પાળ પર એકાંતમાં સુરેશના બાહુપાશમાં જકડાઇને ઊછળતા દરિયાનાં મોજાં જોયા કરવાના ઓરતા…… પણ કોની સામે આ ફરમાઇશો રજૂ કરવી? મયંક સામે તો ક્યારેય નહિ…. એવું કેમ થઇ શકે? જેને ચાહે છે તે ક્યારેય હાજર નથી હોતો અને જેને નથી ચાહતી તે સદા હાજરાહજૂર! જિંદગીનો આ તે કેવો વિરોધાભાસ? ભાવિકા આવા મનોમંથનમાં મગ્ન હતી ત્યાંજ મયંકે તેની ખામોશી તોડતાં કહ્યું,
‘તમને વાંધો ન હોય, તો આજે એક કપ કૉફી થઇ જાય. માફ કરજો, પણ હું ફરી અગાઉની જેમ ફરિયાદ કરીશ કે તમારી પાસે મારી સાથે કૉફી પીવાની ક્યારેય ફુરસદ નથી હોતી.’
મયંકનું કૉફી-પુરાણ ભાવિકાને બેહદ બોરિંગ લાગે છે. તેની વાતોમાં અધીરાઇ છે. બધું જ એકસાથે મેળવી લેવાની ઇચ્છા. તેને પ્રેમ પણ ફટાફટ જોઇએ છે. કદાચ એટલા માટે કે ભાવિકાએ ક્યારેય મયંકની વાતો તલ્લીનતાથી સાંભળી નથી. છતાં એનો જુસ્સો ઘટતો નથી. બસ-સ્ટોપ સુધી મૂકવા બદલ ભાવિકાએ મયંકનો આભાર માન્યો અને બસમાં ચડી ગઇ. બસ દેખાતી બંધ થઇ ત્યાં સુધી મયંક એને જોતો જ રહ્યો.
શનિ-રવિએ કાયમ ઑફિસમાં રજા હોવાના કારણે શુક્રવારની સાંજે ભાવિકાને જલદી ઘરે જવાનું મન થતું નથી. એડ.એજન્સીમાં ફેશન ડિઝાઇનર હોવાથી નવી ફેશનોની જાણકારી મેળવવા તે શોપિંગ મોલ્સ, ફેશન સ્ટોર્સ અને અને હાઇ ડિઝાઇન બ્યુટિકનાં ચક્કરો લગાવે છે. ક્યારેક કામ ખાતર તો ક્યારેક કેવળ સમય પસાર કરવા. હરીફરીને અને ઘર માટે જરૂરી ચીજવસ્તુઓ ખરીદીને દરવાજે પહોંચે ત્યાં તાળું જોઇને તે ઉદાસ થઇ જાય છે. રવિવારે તે પોતાની જાતને ઘરમાં કેદ કરી રાખે છે. તેની આસપાસ ચોવીસે કલાક સુરેશની યાદો પડછાયાની જેમ ફરતી રહે છે. પણ કેવળ પડછાયા જ. સુરેશ પાસે નથી હોતો.
આવા જ એક શુક્રવારની સાંજે તે એક ફેશન સ્ટોરમાં પહોંચી. ગુલાબી ફૂલોવાળું સુંદર સ્લીવલેસ ટોપ પસંદ કર્યું અને ટ્રાયલ રૂમમાં પહેરવા ચાલી ગઇ. ‘કોને દેખાડું?’ મનોમન તેણે સવાલ કર્યો અને પહેરીને બહાર આવી. તે સેલ્સ ગર્લ્સનો અભિપ્રાય જાણવા ઉત્સુક હતી. પણ તે બીજા ગ્રાહક સાથે વાતચીતમાં વ્યસ્ત હોવાથી ભાવિકા હતાશ થઇ ગઇ અને અરીસા સામે ઊભી ઊભી ટોપમાં પોતાના સુંદર બદન પર સુરેશના હોઠનો સ્પર્શ મહેસૂસ કરવા લાગી.
કોઇપણ વસ્ત્ર પહેર્યા બાદ તેની આંખો સુરેશની રોમેન્ટિક અને તોફાની કોમેન્ટ માટે તરસતી રહેતી. પોતે સુંદર છે, લગ્ન પછી સજવા-ધજવાના આ દિવસો છે. પણ જેને માટે તે આટલા શણગાર કરે છે, તેજ પાસે નથી હોતો. ‘વાઉ! બહોત ખૂબ! લુકિંગ હૉટ એન્ડ સેક્સી! હું છું પછી તમારે સેલ્સગર્લનો અભિપ્રાય લેવાની શી જરૂર છે?’
જાણીતો અવાજ સાંભળીને ભાવિકાએ પાછળ ફરીને જોયું તો ફેશન સ્ટોરમાં મયંકને જોઇને ચોંકી ઊઠી. ‘તમે? અહીંયા? તમે અહીં પણ આવી ગયા?’ ‘શું કરું? તમારી ખામોશ આંખોએ એવો જાદૂ કર્યો છે કે મારે આવવું જ પડયું, મેડમ! તમે ચાહો, તો આ ટૉપ તમને ગિફ્ટ તરીકે આપી દઉં. ‘ના, ના. બિલકુલ નહિ,’ એટલું કહીને ભાવિકા હસતી હસતી ટ્રાયલરૂમમાં ચાલી ગઇ. સુરેશના પ્રેમના અહેસાસમાં ખોવાયેલી હોવાથી તે મયંકના મૂક નિમંત્રણ અને ભેટને સ્વીકારી ન શકી.
પરંતુ એકલતાની સચ્ચાઇ પણ એક એવું નક્કર સત્ય છે, જેને ગમે તેટલી કોશિશો છતાં તે અવગણી નથી શકતી અને આવી ક્ષણોમાં મયંકની બહેકાવનારી વાતો મનને વહેતું મૂકવા જેવી લાગે છે.
ટૉપ બદલતાં તેણે વિચાર્યું કે આજે મયંકનો કૉફી પીવાનો આગ્રહ સ્વીકારી લઉં તો તેમાં શું ખોટું છે? પણ તેના પ્રેમાળ આમંત્રણથી બચવાનું મુશ્કેલ છે. પણ સુરેશના પ્રેમની લક્ષ્મણરેખા પાર કરવી શક્ય નથી. શું આ કેવળ સુરેશના પ્રેમની લક્ષ્મણરેખાનો સવાલ છે કે પછી મારા પોતાના પ્રેમ-સમર્પણની કસોટી છે અને મારા ખુદના અસ્તિત્વની સચ્ચાઇ પણ!
ટ્રાયલરૂમમાંથી બહાર આવીને તેણે જોયું તો મયંક પોતાના મિત્રો સાથે શોપિંગમાં બિઝી હતો. ભાવિકા ત્યાંથી ચૂપચાપ સરકી ગઇ. ઘરે આવીને તેણે ફૂલછોડને પાણી પાયું. આ ફૂલછોડ જ તેને એકાંત અને ઉદાસ પળોમાં આત્મીયતાનો અહેસાસ કરાવે છે. એટલે આ ક્ષણો ભાવિકા માટે સૌથી ખુશીની પળો હોય છે. છોડવામાં ફૂટતી કુંપળોમાં તે સુરેશને શોધતી હોય છે. સુરેશ પાસે હોત તો તેને ખબર પડત કે ભાવિકાના હૃદયમાં તેના પ્યારની કેટલી કૂંપળો કાયમ ખીલવા માટે આતુર રહે છે.
માતા-પિતાની એકમાત્ર પુત્રી ભાવિકા ક્યારેય તેમને છોડીને એકલી રહી નથી. નિવૃત્તિ બાદ માબાપ બેંગલોર જતાં રહ્યાં પછી સુરેશ સાથે તેનાં લગ્ન થઇ ગયાં. પરંતુ થોડાક મહિનામાં જ સુરેશની ટ્રાન્સફર દિલ્હી થઇ ગઇ. ભાવિકાએ લવ-મેરેજ કર્યાં હતાં. ‘લવ’ તો હજીય છે. પરંતુ મેરેજનું સુખ નથી.
ઘણીવાર ભાવિકાને થયું કે નોકરી છોડીને સુરેશ સાથે રહું. પણ સુરેશની કમાણીની માફક ભાવિકાની કમાણી પણ ઘર માટે એટલી જ જરૂરી છે. સુરેશ તેને ધીરજ ધરવા અવારનવાર આશ્વાસનો આપતો રહે છે. છતાં એનાં દિલાસાઓથી ભાવિકાની એકલતા અને ખાલીપો ભરાતાં નથી.
એવામાં મોબાઇલ ફોનમાં મેસેજના રિંગટોનથી ભાવિકાની તંદ્રા તૂટી. મયંકના મેસેજથી તેના ચહેરા પર સ્મિત રેલાયું. મયંકના આગ્રહ સામે અનેકવાર આક્રોશ વ્યક્ત કરવા છતાં અંતરના કોઇક ખૂણામાં ભાવિકાને થોડીક રાહત પણ થાય છે. ઑફિસના ઇન્ટરકોમ પર આવતા મયંકના ફોન ઘણીવાર ભાવિકા માટે મૂડ લિફ્ટિંગનું કામ કરે છે.
આજે ફરી શનિવાર છે. બહાર મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. મોસમમાં તાજગી ફેલાઇ ગઇ છે. પણ ભાવિકા પાસે વરસાદી માહોલ માણવાની ફુરસદ નથી. તે પરેશાન છે. ઘરમાં કેટલાંય કામ બાકી છે. એમાં વળી સુરેશ આજે આવવાની વકી છે.
ડોરબેલ રણક્યો. જોયું તો નોકરાણી કમલા હતી. ભાવિકાને રાહત થઇ કે હાશ, હવે બાકીનાં કામ ફટાફટ થઇ જશે. ‘દીદી, તમને નવા વર્ષ નિમિત્તે બે દિવસની રજા નથી મળી? શું સુરેશભાઇ આવવાના છે?’ કમલાએ પૂછ્યું.
પણ કમલાને તે કઇ રીતે પોતાના દિલની વ્યથા સંભળાવે કે જેટલી પોસ્ટ મોટી, એટલી રજાઓ ઓછી. પતિના નિકટ સહવાસની સુખદ સ્મૃતિઓમાં જ દિવસો વિતાવવા પડે છે. કેટલી રજાઓ તેણે આવા ઝુરાપામાં ગુજારી છે એ તેનું મન જ જાણે છે.
એટલામાં ફોનની રિંગ વાગી અને ભાવિકા ખીલી ઊઠી. ‘તેરા ખયાલ, તેરી હી જૂસ્તજૂ હૈ મુઝે તમામ દુનિયા મેં સબસે અઝીઝ તૂ હૈ મુઝે…’ શાયરાના અંદાજમાં સુરેશે ભાવિકાને ‘ગુડ મોર્નિંગ’ કહેતાં તે રોમાંચિત થઇ ગઇ. ‘અરે વાહ! મારાથી દૂર રહીને શાયર બની ગયા? દાઢી-બાઢી તો વધારી નથી ને?’ ભાવિકાએ મજાકના સૂરમાં કહ્યું. ‘અરે ડાર્લિંગ, દાઢી વધારું તો નોકરીમાંથી કાઢી મૂકશે. વેલ, આજે સાંજે આવું છું. હેવ એ નાઇસ ડે, બાય.’
સુરેશના આગમનની વાત સાંભળતાંવેંત ભાવિકા બમણા ઉત્સાહથી તૈયારી કરવા માંડી. સુરેશના સાંનિધ્યને તન-મનથી માણવાના ખયાલોમાં ઓફિસે પહોંચતાં પણ મોડું થયું.
દરવાજા પાસે જ મયંક ઊભો હતો. સુંદર સાડીમાં સજ્જ ભાવિકાને જોતાં તેનાથી રહેવાયું નહિં. ‘ક્યા બાત હૈ! આજે તો મધર ઇન્ડિયા લાગો છો. કોઇ ખાસ વાત છે કે?’ ભાવિકા થોડીક છંછેડાઇ તો ખરી, છતાં સંયમિત વટમાં બોલી, ‘આજે સાંજની ટ્રેનમાં પતિદેવ આવી રહ્યા છે!’ ‘તો પછી આજે ઑફિસે આવવાની શી જરૂર હતી? આપણે ક્યાંક સાથે બેસીને લંચ લીધું હોત ને?’ મયંકે કહ્યું.
પણ ભાવિકા સાંભળ્યું ન સાંભળ્યું કરીને પોતાની કેબિનમાં જતી રહી. જોકે ઑફિસના કામકાજમાં આજે તેનું મન ચોંટતું નહોતું. ક્યારે સાત વાગે અને સ્ટેશને પહોંચી સુરેશને રિસીવ કરું એની અધીરતાથી હૈયું ધડકી રહ્યું હતું. પણ ઇન્કવાયરી કરતાં ખબર પડી કે ટ્રેન બે કલાક મોડી આવવાની હતી. બધી સહેલીઓ ઑફિસમાંથી નીકળી ગઇ હતી. વરસાદ અટકવાનું નામ નહોતો લેતો. ઑફિસમાં વધુ વાર રોકાવું પણ યોગ્ય નહોતું લાગતું. દાદરા ઊતરીને તે દરવાજે આવીને ઊભી રહી. ત્યાંજ મયંક હાથમાં કારની ચાવી ઝુલાવતો સામે આવ્યો.
‘મેડમ, તમને વાંધો ન હોય તો સ્ટેશન સુધી મૂકી જાઉં. આમેય આપણાં બંનેનાં ઘર એક જ દિશામાં છે. આને ઉપકાર નહિ, વિવેક સમજજો.’ ભાવિકા પાસે અત્યારે મયંકની ઓફર સ્વીકારવા સિવાય કોઇ વિકલ્પ નહોતો. છતાં તેને મૂઝવણ થઇ કે સુરેશ જેવો અહંવાદી અને માલિકીભાવ ધરાવતો પતિ મયંકે આપેલી લિફ્ટ વિશે શું વિચારશે?
જોકે કાર ચલાવતી વખતે ભાવિકાને પહેલીવાર પાસે બેસાડયા બદલ મયંક બેહદ ખુશ હતો. ભાવિકાને સુરેશ સાથે આવી જ રીતે એકવાર કારમાં કરેલી સફર યાદ આવી ગઇ. એટલામાં એક સ્પીડબ્રેકર પર ગાડી ઊછળી અને મયંકે ભાવિકા સામે નજર નાખતાં કહ્યું, ‘તમે કંઇક બોલશો કે આખે રસ્તે ખામોશ જ રહેશો?’
સુરેશના ખયાલોમાં તલ્લીન ભાવિકા કશું બોલી નહિ. વરસાદ રહી ગયો હતો અને ઘર દેખાઇ રહ્યું હતું. મયંકે ગાડીને બ્રેક મારી અને ભાવિકા ચૂપચાપ ઊતરી ગઇ. જતાં જતાં તેણે મયંક સામે આભારવશ નજર નાખી. ‘ઘરમાં આવવાનું નહિ કહો? એક કપ કૉફી શું ઘરમાં પણ નહિ મળે?’
મયંકની આજીજી સામે ભાવિકાને ચીડ તો ચડી પણ કશું બોલ્યા વગર ભીંજાતી ભીંજાતી ઘરમાં પ્રવેશી. નજર સામે વરસાદમાં ઝૂલતા ફૂલછોડો જાણે એના સ્વાગતમાં ઊભા હતા. ‘જુઓ મારા બેસ્ટ ફ્રેન્ડ્સ’ ભાવિકા પાછળ આવતા મયંક સામે જોતાં બોલી ઊઠી. ‘પણ તમને આના કરતાંય વધુ સારા મિત્રોની જરૂરત છે.’ હાજરજવાબી મયંકે લાગ જોઈને પરખાવ્યું.
ભાવિકાનું સાફસૂથરું ઘર જોઈને મયંક આભો બની ગયો. ‘તમે એકલે હાથે કઇ રીતે આ બધું મેઇન્ટેઇન કરો છો? ડર નથી લાગતો? લગ્ને થયે કેટલાં વરસ થયાં?’ મયંકે સવાલોની ઝડી વરસાવી.
‘દસ વરસ, આઠ વર્ષ મૈત્રીનાં અને બે વરસ લગ્નનાં.’ ભાવિકાએ તરત જવાબ આપ્યો અને કોફી બનાવવા કિચનમાં ચાલી ગઈ. કોફી પીતાં પીતાં મયંકે ફરી ભાવિકાને છેડી ઃ ‘વાહ? શું કોફી બની છે? તમારા હાથમાં ખરેખર જાદુ છે.’
એવામાં ભાવિકાના મોબાઈલ પર સુરેશનો એસએમએસ આવ્યો કે ગાડી ૮ કલાક લેટ હોવાથી કાલે સવારે આવીશ. ભાવિકાનો ઉમંગ ઓસરી ગયો. ફરી એકલતા સહેવાના વિચારે ચહેરો ફિક્કો પડી ગયો. મયંક ભાવિકાના મૂડના ઉતાર-ચડાવ નીરખી રહ્યો હતો. ‘થેન્કયુ. હવે રજા લઉં છું. તમારી એક કૉફી મારા પર ઉધાર. તમને ફરી એકલા મૂકીને જઈ રહ્યો છું.’ભાવિકા મયંકના આભારનો આભાર માને તે પહેલાં અચાનક મયંકે ભાવિકાના હોઠ ચૂમી લીધા.
‘ઓહ પ્લીઝ! આ શું કરો છો?’ મયંકના બાહુપાશમાં ભાવિકા અવશ બનીને જકડાઈ ગઈ છતાં તેને મના કરવાની હિંમત તેનામાં નહોતી. એકલતા અને વરસાદી માહોલના ઘેરામાં અનાયાસ તે હૂંફ અનુભવી રહી હતી. છતાં થોડીવાર પછી રુંધાયેલા સ્વરે બોલી ઃ પ્લીઝ, હવે તમે જાઓ.
મયંકે દરવાજો ખોલ્યો અને ચાલી નીકળ્યો. ભાવિકા ખાસી વાર સુધી કૉફીના કપ સામે જોતી રહી અને પછી બારી પાસે ઊભી રહી ગઈ. તેના મનમાં વિચારોનું ધમસાણ મચ્યું હતું. આવી સાંજે તમે ક્યાં છો સુરેશ? કેવળ પ્રેમના અહેસાસ સાથે જીવવું અને જુદાઈની લાચારી સહજતાથી સહી લેવી કેટલી કપરી છે! આ તે કેવો સૂનો સથવારો!
કલાક પછી મયંકનો એસએમએસ આવ્યો ‘થેન્ક્સ ફોર લવલી ઇવનિંગ.’ ભાવિકાએ મોબાઈલ જમીન પર પટક્યો. તેના બે ટુકડા થઈ ગયા. એવામાં ડોરબેલ વાગી. જોયું તો સુરેશ સામે ઊભો હતો. ‘તમે અત્યારે?’ ભાવિકા નવાઈ પામતાં બોલી. ‘તારા ખયાલોમાં કાર એટલી ઝડપથી ચલાવતો હતો કે રસ્તો ક્યારે કપાઈ ગયો તેની ખબર જ ન રહી.’ સુરેશે ખુલાસો કર્યો.
ભાવિકા હસી પડી. સુરેશના આલિંગનમાં ખોવાઈ જવું કે વીતેલી પળોની વ્યથા કહેવી, એ તેને સૂઝતું નહોતું. તૂટેલો મોબાઈલ જોતાં સુરેશને થોડોક સંદેહ થયો. ટુકડા જોડીને તેણે એસએમએસ વાંચવાનો પ્રયત્ન કર્યો. પછી ભાવિકા સામે નજર માંડી. ભાવિકાની આંખોમાં અસલામતી અને અજંપાના ભાવ દેખાયા. પણ સુરેશને પોતાના જ ગુનાનો અહેસાસ થયો હોય તેમ કશું બોલ્યા વગર અને બધું ભૂલીને ભાવિકાના અંગેઅંગને ચૂમવા લાગ્યો. ભાવિકા પણ મોકળા મનથી સુરેશની આ સ્નેહવર્ષામાં ભીજાતી રહી. તેની એકલતાની તમામ ફરિયાદોના બંધ સુરેશના ગાઢ આલિંગનમાં તૂટી રહ્યા હતા.
‘વાંક મારો જ છે, ભાવિકા. લોંગ ડિસ્ટન્સ મેરેજની આ સાઇડ ઇફેક્ટ છે. ગુનેગાર હું છું પણ સજા તું ભોગવી રહી છે. છતાં તારો આભારી છું કે તું તારી જાતને સંભાળી રાખે છે અને મારા પરનો વિશ્વાસ ટકાવી રાખ્યો છે. હું તારો જ છું અને તારો જ રહીશ.’ સુરેશના સ્વરમાં છલકાતા આત્મવિશ્વાસે ભાવિકાને વધુ ઉત્તેજિત કરી અને બંને એકમેકની કમર પર હાથ વીંટાળીને બેડરૂમ તરફ વળ્યાં.