પ્રશ્નઃ નમસ્તે સર, મારી ઉંમર 31 વર્ષ છે. છેલ્લા થોડા સમયથી વજાઇનામાં ક્યારેક થોડી થોડી ચળ આવે છે. ત્યાં બળતરા કે બીજું કશું નથી થતું. બસ, અમુક વાર ચળ આવ્યા કરે છે. આ માટે કોઇ દવા જણાવશો.
જવાબઃ આ સંજોગોમાં હાઇજિન અંગે વધારે ધ્યાન આપવું. ઘણી વાર સાબુની એલર્જીને કારણે પણ આવું બનતું હોય છે. તમે થોડા ગરમ પાણીમાં થોડું ડેટોલ મિક્સ કરી તે ભાગ પર થોડી વાર રેડો. દિવસમાં બે વાર આ ઉપાય અજમાવવાથી કોઇ ઇન્ફેક્શન થયું હશે તો તે દૂર થઇ જશે. નહિતર સ્કિન સ્પેશિયાલિસ્ટને મળો.
પ્રશ્નઃ નમસ્તે સર, મારી ઉંમર 35 વર્ષ છે. મારા પતિને શારીરિક સંબંધ બાંધતા પહેલાં માસ્ટરબેશનની આદત પડી ગઇ છે. હંમેશાં શારીરિક સંબંધ બાંધતા પહેલાં તેઓ માસ્ટરબેટ કરે છે. આ વસ્તુ મને નથી ગમતી, હું ઇમોશનલી હર્ટ થાઉં છું, ઘણી વાર આવું કરવાની ના કહું અને તેઓ માની લે તો શારીરિક સંબંધ બાંધે ત્યારે તેમને ઉત્તેજના જ નથી થતી. મને આ વાત ખૂબ તકલીફ પહોંચાડે છે. આવું ન થાય તે માટેની કોઇ દવા હોઇ શકે?
જવાબઃ આ માનસિક પ્રોબ્લેમ છે, આમાં દવા નહીં પણ તેમના અને તમારા પ્રયત્નો જ તમને મદદરૂપ થઇ શકશે. શારીરિક સંબંધ બાંધતા પહેલાં થોડી રોમેન્ટિક વાતો કરો, વાતાવરણને થોડું રોમેન્ટિક બનાવો. સેક્સમાં થોડી નવીનતા લાવો, તેમને ગમતાં કપડાં પહેરો, તેમની સાથે થોડી પ્રેમક્રીડા કરો. આવા ઉપાય અજમાવવાથી ફેર પડશે.
પ્રશ્નઃ નમસ્તે સર, મારા દીકરાનાં લગ્નને 4 વર્ષ થઇ ગયાં છે. હું હવે તેમને બાળક પ્લાન કરવા કહું છું, પણ મારા દીકરાની વહુ કહે છે કે દીકરાને કોઇ તકલીફ હશે તેથી તેઓ પ્રયત્ન કરે છે છતાં બાળક નથી રહેતું. શું આ વાત સાચી હોઇ શકે? શું મારા દીકરામાં કોઇ સમસ્યા હશે કે વહુ પોતાની સમસ્યા છુપાવવા આવું કહી રહી હશે?
જવાબઃ બહેન, તમારા વિચારો ખોટા છે. જરૂરી નથી કે વહુમાં જ ખામી હોય. હવે એવા અનેક દાખલા જોવા મળે છે જેમાં પુરુષમાં ખામી હોવાને કારણે ગર્ભ ન રહેતો હોય. માટે આ માનસિકતામાંથી બહાર નીકળવાની જરૂર છે. શક્ય છે કે તમારા દીકરાની વહુમાં કોઈ ખામી હોય, બની શકે તમારા દીકરાને સમસ્યા હોય. માટે ધારણાઓમાં સમય બગાડવાને બદલે તમે એક વાર સારા ગાયનેકને બતાવી તમારા દીકરા અને વહુ બંનેની તપાસ કરાવી લો. જે પણ પ્રોબ્લેમ હશે તેનો તપાસમાં ખ્યાલ આવી જશે. અને તે મુજબ દવા પણ મળી જશે. હવે મેડિકલ સાયન્સ ઘણું જ આગળ વધી ગયું છે.
પ્રશ્નઃ નમસ્તે સર, મારી ઉંમર 27 વર્ષ છે. મને પી.સી.ઓ.ડીની તકલીફ છે, આ તકલીફને કારણે માસિક રેગ્યુલર નથી આવતું. મને આની યોગ્ય દવા જણાવશો. ટૂંક સમયમાં જ મારાં લગ્ન થવાનાં છે, લગ્ન બાદ આ કારણે ગર્ભ રહેવામાં તકલીફ ન થાય તેવી દવા પણ જણાવશો.
જવાબઃ બહેન, આ રીતે પી.સી.ઓ.ડીની તકલીફમાં તપાસ કર્યા વગર દવા સજેસ્ટ ન કરી શકાય, તમે આટલો સમય કેમ કોઇ ગાયનેકને ન જણાવ્યું તે વાતની મને નવાઇ લાગે છે. આ સમસ્યાને આટલી લાંબી ખેંચવી મુર્ખામી છે. ખેર, હવે જલદી કોઇ ગાયનેકની સલાહ લઇને તેની દવા શરૂ કરી દો, કારણ કે આ તકલીફને કારણે ગર્ભ રહેવામાં સમસ્યા નડતી હોય છે, તેથી પ્રોપર દવા લઇને તેમજ તમારી ઉંમર જોતાં હું એવું સજેશન આપી શકું કે લગ્ન બાદ બાળકનો પ્લાન પણ બને તેટલો જલદી જ કરી નાંખજો.
પ્રશ્નઃ નમસ્તે સર, મારાં લગ્નને ખાસ્સો સમય થઇ ગયો છે. અમે પતિ-પત્ની બંને 39 વર્ષનાં છીએ, અમુક મહિના પહેલાં મારા પતિએ અકુદરતી શારીરિક સંબંધ બાંધ્યો હતો, તેમને તે કરવામાં ખૂબ મજા આવી ગઇ હતી. તે પછીથી અમે જ્યારે પણ શારીરિક સંબંધ બાંધીએ ત્યારે તેઓ તેમ જ કરવાનો આગ્રહ કરે છે. હું એ રીતે ના પાડું તો તેમને ક્લાઈમેક્સ જ આવતું નથી, આથી છેવટે એમના સંતોષ માટે અને અમારા સબંધો બચાવવા માટે મારે એમ કરવા દેવું પડે છે, અથવા હું માઉથ જોબ કરું તો જ તેમને સ્ખલન થાય છે. મને અકુદરતી શારીરિક સંબંધ સહેજ પણ નથી ગમતું. આવું ન કરવું પડે તે અંગે કોઇ સૂચન આપશો.
જવાબઃ લગ્નનાં અમુક વર્ષ બાદ અને ખાસ કરીને બાળક આવી ગયા બાદ વજાઇનાનો ભાગ થોડો શિથિલ થઇ જતો હોય છે, તેથી તેની પકડ પહેલાં જેવી નથી રહેતી. બને કદાચ આ કારણે જ તમારા પતિને અકુદરતી શારીરિક સંબંધમાં રસ પડતો હોય. તમને તે ન ગમતું હોય તો તમે તેમને સમજાવો, તેમને સ્પષ્ટપણે જણાવો કે તમે સહેજ પણ સહજતાનો અનુભવ નથી કરતાં. તેના બદલે તમે બીજાં આસન ટ્રાય કરીને શારીરિક સંબંધની મજા લેવાનો પ્રયત્ન કરી શકો છો. એ સિવાય વજાઇનાની ટાઇટ બનાવવા માટે થોડી કસરત કરો, તેનાથી તેની શિથિલતા દૂર થશે.