ખેડૂતો જો આ પાક પદ્ધતિ અપનાવશે તો આવક થશે બમણી, ખર્ચ માં થશે ધટાડો..

ખબરે

આજે જગતના તાત ગણાતાં ખેડૂતની (Farmers) આર્થિક સ્થિતિ નબળી પડતી જાય છે. જેના મુખ્ય કારણો મોંઘા બિયારણો અને દવાઓ, અપૂરતો અને અનિયમિત વરસાદ, પિયત પાણીની ખેંચ તથા પિયત માટે થતો વધુ પડતો ખર્ચ, જમીનની ઘટતી જતી ઉત્પાદકતા, ખેત મજૂરોની તંગી અને વધતાં જતાં મજૂરીના દર, વિજળી અને ઈંધણના વધતાં જતાં ભાવ ઉપરાંત પાક ઉત્પાદનના નીચા બજારભાવ કારણભૂત છે.

જો ખેડૂતોએ આર્થિક સ્થિતિ સુધારવી હોય તો એકમ વિસ્તારમાં ઉત્પાદન વધારવું પડશે અને ખર્ચ ઘટાડવો પડશે અને ખેત ઉત્પાદનના બજારભાવ સારા મળવા જોઈએ. જે પૈકી ખેત ઉત્પાદન અને ખેતી ખર્ચ ખેડૂતના હાથની બાબત છે. આવા સમયે ખેડૂતોએ સંશોધન આધારિત ખેતી પધ્ધતિઓ (Farming Method) અપનાવવી જોઈએ. બિન ખર્ચાળ કે ઓછી ખર્ચાળ ખેતી પધ્ધતિમાં ખેડૂતોને નાણાંની ઓછી જરૂરિયાત રહે છે.

સતત એકને એક પાક લેવાથી અમુક તત્વોની ખેતીની જમીનમાં ઉણપ આવે છે. રોગ-જીવાતના પ્રશ્નો ઉદભવે છે, જેથી ધાન્ય વર્ગના પાક પછી કઠોળ વર્ગના પાકની ફરબદલી કરવાથી ઉત્પાદન ખર્ચ વધાર્યા સિવાય બંને પાકોનું ઉત્પાદન વધારી શકાય છે. ધાન્ય વર્ગના પાકને નાઈટ્રોજન તત્વની વધારે જરૂરીયાત રહે છે, જયારે કઠોળ વર્ગના પાકને ફોસ્ફરસ તત્વની વધારે જરૂરીયાત રહે છે. જેથી પાક ફેરબદલીથી જમીનમાં પોાક તત્વોનું સંતુલન પણ જળવાઈ રહે છે.

જે તે વિસ્તારનું હવામાન, જમીન, ખેડૂતની સ્થિતિ, બજાર વ્યવસ્થા, કૃષિ સામગ્રી, મજૂર તથા મશીનરીની ઉપલબ્ધતા વગેરેને અનુરૂપ ખેત પધ્ધતિ અપનાવવી જોઈએ. આર્થિક વળતર ઉપરાંત જમીનની ઉત્પાદકતા જળવાઈ રહે તે જરૂરી છે. જે માટે પાક પધ્ધતિમાં કઠોળ પાકોનો સમાવેશ કરવો જોઈએ.

ઉપલબ્ધ સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગ કરવા, પાક નિષ્ફળનું જોખમ ઘટાડવા અને રોગ-જીવાત તથા નીંદણનું નિયંત્રણ કરવા માટે યોગ્ય પાક પધ્ધતિ, પાકની ફેરબદલી, મિશ્ર કે આંતરપાક પધ્ધતિ અપનાવવી જોઈએ. પહોળા અંતરે વવાતાં લાંબાગાળાના પાકોમાં શરૂઆતના સમયમાં ટુંકાગાળાના આંતરપાકો લઈ વધારાની આવક મેળવી શકાય. પશુપાલન જેવા ખેતીના પૂરક વ્યવસાયથી ખર્ચ ઘટાડી આવક વધારી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *