100% અસરકારક ઉપાય : બગડેલા પાચનતંત્રને કેવી રીતે સુધારશો? જાણો ઉપાય..

હેલ્થ

ઘણા લોકોમાં નબળા પાચનતંત્રની (digestive system) ફરિયાદ જોવા મળે છે, ત્યારે પાચનતંત્રને સુધારવા તેઓ ઘણા પ્રયત્નો કરતા હોય છે. અમે તમને બતાવીશું કે સારા પાચનતંત્ર માટે કયા ઉપાયો કામ લાગશે.

તમને અપચો થયો છે તે કેવી રીતે જાણશો

જેમનું પાચન સારું ન હોય તેને અપચો થાય છે. અજીર્ણના કારણે જમ્યા પછી પેટ ભારે રહે છે. સ્ફૂર્તિનો અનુભવ થતો નથી. આખો દિવસ બગાસા આવે છે અને શરીર જાણે કે થાકેલું હોય એવું લાગે છે. ભૂખ નથી લાગતી અને જમ્યા પછી ઘણીવાર ખાધેલા ખોરાકના ખરાબ સ્વાદવાળા ઓડકાર આવતા રહે છે.

પાચનતંત્ર બગડે છે કેવી રીતે

જે લોકો જમવામાં અનિયમિત હોય છે, ભૂખ કરતાં વધુ પ્રમાણમાં ખાય છે, મિષ્ટાન, કેળા, મેંદામાંથી બનતી વાનગી કે વાસી આહાર વારંવાર લેતા હોય છે. આગળનો ખોરાક પૂરો પચ્યો ન હોય છતાં પણ ઉપરાછાપરી ખાધા કરવાની આદત ધરાવતા હોય છે અને રાતના ઉજાગરા કે દિવસની ઊંઘ જે વિપરીત જીવન પદ્ધતિ માટે ટેવાયેલા હોય છે. તેમનું પાચન તંત્ર ધીમે ધીમે નબળું પડતું જાય છે. જમતા પહેલા પાણી પીવાથી, તરસ કરતાં વધુ અને વારંવાર ઠંડું પાણી પીવાથી પણ જઠરાગ્નિ મંદ થાય છે.

પાચનતંત્ર સારું રાખવા માટે શું કરવું?

જે લોકો પોતાનું પાચન સારું રાખવા ઈચ્છતા હોય તેણે ભૂખને મારવી નહીં અને ભૂખ ન લાગી હોય ત્યારે પણ સ્વાદ ખાતર કે આદતવશ જમવું નહીં. શક્ય હોય ત્યાં સુધી સાદો, સુપાચ્ય અને ઘરનો જ આહાર લેવો. રોજિંદા ભોજનમાં ગળ્યો, ખાટો, ખારો, તીખો, તૂરો અને કડવો એમ છ સ્વાદ આવી જાય તેનો ખ્યાલ રાખવો. કોઈપણ એક રસ યુક્ત આહાર આયુર્વેદની દૃષ્ટિએ પણ આરોગ્યકારક બને છે.

પોતાના પાચનતંત્રને સુધારવા ઈચ્છતા લોકોએ રોજિંદા આહારમાં આદુ, લીલું મરચું,લસણ ,લીલા મરીનું અથાણું, કુમળા મૂળા, મોગરી, ફુદીનો, કોથમીર, મરચા લસણની ચટણી, કોથમીર મરચાની ચટણી, કચુંબર, પાપડ, અથાણાં, છાશ વગેરેનો ઋતુ પ્રમાણે પોતાની પ્રકૃતિને અનુકુળ હોય તે રીતે ઉપયોગ કરવો.

આદુના કચુંબરમાં લીંબુ નીચોવી જરૂરી મીઠું અથવા સિંધવ મેળવી જમતાં પહેલાં ચાવી જવાથી ભોજન પ્રત્યે રુચિ વધે છે અને પાચનતંત્ર પણ સુધરતું જાય છે. આ સિવાય જમ્યા બાદ બે બે ચિત્રકાદિવટી, લસુનાદી વટી અથવા તો શંખવટી લેવાથી ખાધેલો ખોરાક પચે છે. પેટના રોગો થતાં નથી અને થયા હોય તો સરળતાથી દૂર થાય છે.

અપચો થયો હોય તો અજીર્ણ કંટક રસ અથવા ક્રવ્યાદ રસ બે બે ગોળી જમ્યા બાદ અથવા ચાર ચમચી જેટલો દ્રાક્ષાસવ એટલું જ પાણી મેળવીને પી જવાથી ખાધેલો ખોરાક સરળતાથી પચી જાય છે અને સવારે પેટ પણ સાફ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *