હિન્દુ ધર્મમાં તુલસીનું ખૂબ મહત્વ છે. તુલસીને દરરોજ પાણી ચઢાવવું, સાંજે તુલસીના છોડ નીચે દીવા પ્રગટાવવા, તુલસી ખાવી અને તેની માળા પહેરવી જેવી ઘણી બાબતો ભારતીય પરંપરાનો મહત્વપૂર્ણ ભાગ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ તુલસીના ઘણા ફાયદા છે. આજે આપણે તુલસીને લગતા આવા જ એક ફાયદા વિશે વાત કરી રહ્યા છીએ જે વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ છે. આ વાત તુલસીની માળા પહેરવા અને માનસિક સ્વાસ્થ્ય સુધારવા વિશેની છે. સામાન્ય રીતે ભગવાન વિષ્ણુ અને કૃષ્ણના ભક્તો તુલસીના બીજની માળા પહેરતા જોવા મળે છે.
તુલસી મોટેભાગે 2 પ્રકારના હોય છે- શ્યામા તુલસી અને રામા તુલસી. શ્યામા તુલસીના બીજની માળા પહેરવાથી મનમાં માનસિક શાંતિ અને સકારાત્મકતા આવે છે. સાથે જ આધ્યાત્મિક તેમજ કૌટુંબિક અને ભૌતિક પ્રગતિ તરફ દોરી જાય છે. તે ભગવાન પ્રત્યેની આદર અને ભક્તિમાં વધારો કરે છે. એ જ રીતે જો વાત કરીએ રામા તુલસીની તો એની માળા પહેરવાથી આત્મવિશ્વાસ વધે છે અને સાત્વિક ભાવનાઓ જાગૃત થાય છે. ફરજોનું પાલન કરવામાં પણ આ માળા મદદ મળે છે.
બીજા ફાયદા વિશે વાત કરવામાં આવે તો તુલસીની માળા પહેરવાથી મન શાંત થાય છે અને આત્મા શુદ્ધ થાય છે. આ માળા પહેરવાથી શરીર સ્વચ્છ બને છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે. વ્યક્તિની પાચક શક્તિ, તાવ, શરદી, માથાનો દુખાવો, ચામડીનો ચેપ, મગજના રોગો અને ગેસ સંબંધિત અનેક રોગોમાં રાહત મળે છે. ચેપથી થતાં રોગોથી પણ રક્ષણ આપે છે.
તુલસી એક અદ્ભૂત દવા છે, તે બ્લડ પ્રેશર અને પાચનમાં સુધારો કરે છે. તુલસી ધારણ કરવાથી શરીરમાં વિદ્યુત શક્તિનો પ્રવાહ વધે છે. ગળામાં તુલસીની માળા પહેરવાથી વિદ્યુત તરંગો આવે છે જેના કારણે લોહીનું પરિભ્રમણ પણ અટકતું બંધ થઈ જાય છે. આ સિવાય તુલસી મલેરિયા જેવા ઘણા પ્રકારના ફિવરમાં ખૂબ ફાયદાકારક છે.