ઈલેક્ટ્રીક વાહન ખરીદનારને ગુજરાતના આ શહેરમાં મળશે બમ્પર ફાયદો

લાઇફસ્ટાઇલ

સુરત (Surat) માં વધતા જતાં પ્રદૂષણને નાથવા માટે સુરત મ્યુનિસિપલ તંત્ર આગામી દિવસોમાં મોટા પગલા લેવા જઈ રહ્યું છે. સુરત સિટી ઈલેક્ટ્રીક વ્હીકલ પોલિસી 2021 નો અમલ કરવા માટે તૈયારી કરી રહી છે. સુરતમાં પેટ્રોલ-ડીઝલથી ચાલતાં વાહનોને બદલે ઈલેક્ટ્રીક વાહનો ખરીદનારને પાલિકા તંત્ર પ્રોત્સાહન આપવા માટે નીતિ તૈયાર કરી રહી છે. જેમાં પોલિસીના પહેલાં વર્ષમાં ઈલેક્ટ્રીક વ્હીકલ (e vehicle) ખરીદનારને વ્હીકલ ટેક્સમાં 100 ટકા મુક્તિ ઉપરાંત અન્ય લાભ પણ આપવામા આવશે.

પ્રદૂષણ ઘટાડવાનો સુરતનો પ્રયાસ

ભારત સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા દેશના 60 શહેરોને સોલાર સિટી (solar city) તરીકે પસંદગી કરવામા આવી છે. તેથી સાથે સાથે વાહનોના પ્રદુષણ ઘટાડવા માટે ઈલેક્ટ્રીક વાહનો (electric vehicle) ના ઉપયોગ કરનારને પ્રોત્સાહન આપવા માટે પાલિકા તંત્ર આયોજન કરી રહ્યું છે. સુરત શહેરમાં હાલમાં ૩૩ લાખ જેટલા વાહનો હોવાથી તેના કારણે પ્રદુષણની માત્રામાં વધારો થઈ રહ્યો છે તે ઘટાડવા માટે પાલિકા તંત્ર ઈલેક્ટ્રીક વ્હીકલ પોલિસીના અમલ માટે આયોજન કરી રહી છે. આ માટે સુરત ઈલેક્ટ્રીક વ્હીકલ પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તેના અમલ માટે કવાયત શરૂ થઈ ગઈ છે.

ઈ વ્હીકલ ખરીદનારને મળશે ટેક્સમાંથી મુક્તિ

ઈલેક્ટ્રીક વ્હીકલ પોલિસીમાં ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુન 2025 સુધીમા રાજ્યના બે લાખ ઈલેક્ટ્રીક વાહનોના લક્ષ્યાંક સામે સુરત શહેરમાં 40 હજાર ઈલેક્ટ્રીક વાહનો દોડતાં થાય તેવો પ્રયાસ કરાશે. પોલિસીના અમલ માટે પહેલાં વર્ષે ઈલેક્ટ્રીક વાહન ખરીદનારને વ્હીકલ ટેક્સમાં 100 ટકા મુક્તિ, બીજા વર્ષે 75 ટકા અને ત્રીજા વર્ષે 50 ટકા વ્હીકલ ટેક્સમાં મુક્તિ આપવામાં આવશે. આ ઉપરાંત ઈલેક્ટ્રીક વાહન ખરીદનારને ત્રણ વર્ષ માટે એન્વાયર્નમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ ચાર્જમાંથી પણ મુક્તિ અપાશે. આટલું જ નહિ, પરંતુ આ પોલિસીના ભાગરૃપે પહેલાં ત્રણ વર્ષ પે એન્ડ પાર્કમાં ઈલેક્ટ્રીક વાહનોને વિના મુલ્યે પાર્ક કરવામા દેવામા આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *