રખડતા કૂતરાની જેમ ગુજરાતમાં ફરવા લાગ્યા દીપડા, જુનાગઢમાં સૂતેલા બાળકને ફાડી ખાધો

અજબ-ગજબ

ગુજરાતમાં દીપડાઓની વસ્તી ચિંતાજનક રીતે વધી રહી છે. આ સાથે જ દીપડાઓનો આતંક (leopard attack) પણ વધી રહ્યો છે. દીપડાઓ રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવીને હુમલા કરતા થયા છે. ત્યારે જુનાગઢમાં દીપડાએ પાંચ વર્ષના બાળકને ફાડી ખાધાની ઘટના બની છે. તો બીજી તરફ, ભરૂચમાં નેત્રંગના રહેણાંક વિસ્તારમાં દીપડો આવી ચઢ્યાની ઘટના પણ સામે આવી છે. અહી એક છાપરા પર દીપડો આરામ ફરમાવતો જોવા મળ્યો હતો. જેથી સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે.

જુનાગઢમાં માતા પાસે સૂતેલા બાળકને દીપડાએ ઉઠાવ્યો

જુનાગઢમાં દીપડાનો આતંક સતત વધી રહ્યો છે. ત્યારે મંગળવારની રાત્રે બે બાળકો ઉપર દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. જેમાં એક બાળકનું મોત થયુ છે અને અન્ય એક બાળક ઘાયલ થયુ છે. જુનાગઢના વંથલીના વસપડા ગામની સીમમા 5 વર્ષીય બાળકને દીપડાએ ફાડી ખાધો છે. દાહોદના સિંગવડ તાલુકાના પરપ્રાંતિય મજૂરો કામ અર્થે વસપડા ગામે આવ્યા હતા. જેમાં મજૂર પરિવારના બે બાળકો માતા પાસે સૂતા હતા. ત્યારે દીપડો એક બાળકને ઢસીને લઈ ગયો હતો. જેમાં યોગેશ મનહરભાઈ ચરપોટ નામના બાળકને દીપડાએ ફાડી ખાધો હતો. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ડર ફેલાઈ ગયો હતો. હાલ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. વનવિભાગ દ્વારા દીપડાને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. ચાલુ વર્ષે વન્ય પ્રાણી દ્વારા માનવ મૃત્યુનો આ બીજો બનાવ છે.

ભરૂચમાં છાપરા પર આરામ કરતો દીપડો દેખાયો

ભરૂચના નેત્રંગના રહેણાંક વિસ્તારમાં દીપડો દેખા દેતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. જવાહર બજાર વિસ્તાર દુકાનો પાસે દીપડો દેખાયો હતો, આ ઘટના અંગેની જાણ વન વિભાગને કરાઈ હતી. નેત્રંગ તેમ જ વાલિયા વિસ્તારમાં અવારનવાર દીપડા દેખા દે છે અને ક્યારેક રહેણાક વિસ્તારમાં મારણ કરવા આવી જતો હોય છે, પરંતુ આજરોજ નેત્રંગ પંથકમાં સવારે જ લોકો એક મહાકાય દીપડાને રહેણાક વિસ્તારમાં એક દુકાનના છાપરા પર આરામ ફરમાવતો જોઈ ચોંકી ઊઠ્યા હતા.

નવસારીમાં અકસ્માત દીપડાનું મોત

નેશનલ હાઈવે નંબર 48 પર આજે સવારે અજાણ્યા વાહનની અડફેટે દીપડાનું મોત નિપજ્યુ છે. ચીખલીના મજીગામ દિનકરભવન નજીક દીપડો વાહનની અડફેટે આવ્યો હતો. ત્યારે વનવિભાગે દીપડાના મૃતદેહનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે. અગાઉ પણ આ હાઈવે પર અનેક દીપડાઓના અકસ્માતમાં મોત થઈ ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *