રાજ્યના તરુણ અને સગીર વયના માતા-પિતા માટે લાલબત્તી જેવો એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. પોતાના અપ્રતિમ મોજ-શોખ અને પાશ્ચાત સંસ્કૃતિના આંધળા અનુકરણ ઉપરાંત ફિલ્મી ચસકા પાછળ ઘેલી થઇ ઉઠેલી એક સગીરાને વૈભવી લાઈફ સ્ટાઈલનો એવો તો શોખ વળગ્યો કે તે ક્યારે દેહ વ્યાપારમાં ધકેલાઈ ગઈ તેનો તેણીને ખ્યાલ જ ના રહ્યો.પુત્રીના રહન-સહન અને ચાલ-ચલગતથી વિચલિત પિતાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર મદદ માંગતા આખી ઘટનાનો ખુલાસો થયો છે.
અમદાવાદના એક પોશ વિસ્તારમાં રહેતી સગીરાને પોતાની ઉમરના મિત્રોની જીવન શૈલી નાની ઉમરથી જ પ્રભાવિત કરતી હતી. અન્યના શોખ અને તેમના કપડાથી માંડીને રહેણી-કરણીનો એટલો તો પ્રભાવ વધ્યો કે, સગીરાને થયું કે આવું હોય તો જ જીવન છે. પિતાની આર્થિક સ્થિતિની પરવાહ કર્યા વગર સગીરા ‘ડીમાન્ડીંગ’ બની ગઈ. પોતાના મોજ-શોખ પુરા કરવા તેણી,માતા-પિતા પાસે તેમના આર્થિક ગજા ઉપરાંતની માંગણીઓ કરતી થઇ ગઈ.
પિતાની સ્થિતિ તેણીની માંગણીઓ પૂર્ણ કરવા સક્ષમ ના હોય, સગીરાએ જુદો જ માર્ગ પકડ્યો. પોતાના મિત્રોની મદદથી તેમના વૈભવી કહી શકાય તેવા શોખને જાણે કે પાંખો આવી, સગીરા પોતાના શોખનેપંપાળવા -પોષવા માંડી. ધીમે-ધીમે તેની એષણાઓ સંતુષ્ઠ થવા માંડી તો મોજ-શોખની લાલસા વધુ તીવ્ર બનવા માંડી.
પોતાની સગીર પુત્રીનો ઠાઠ અને તેણીની જીવન શૈલી પિતાને ચિંતિત કરતી હતી. કપડાથી માંડીને તેણીની નાની-નાની ચીજ વસ્તુઓ મોંધી દાટ હોવાનો પિતાને અહેસાસ થવા લાગ્યો.તેમને થયું કે, આ બધું આવે છે ક્યાંથી ? કેવી રીતે ? સગીરાના મિત્રો વિષે પિતા વધુ જાણતા નહોતા એટલે તપાસ પણ કેવી રીતે કરે ? પિતાએ 181 અભયમ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી.અને પુત્રીની જીવન શૈલી અને વ્યવહાર વિષે જણાવ્યુ.
અભયમે સગીરાનો કેસ હાથમાં લીધો અને તેણીનું કાઉન્સેલિંગ શરુ કર્યું તો ખુદ અભયમ ટીમ પણ કેફિયત સાંભળીને ચોંકી ગઈ. સગીરા દેહ વ્યાપારમાં ધકેલાઈ ગઈ હતી. પોતાના મોજા-શોખ ને વૈભવી જીવન શૈલીના લાગેલા ચસકાને તેણીનાં મિત્રોએ એવી તો હવા આપી કે,સગીરા દેહ વ્યાપારની આગમાં ધકેલાઈ ગઈ. સગીરાની આ કેફિયત સાંભળ્યા પછી,181અભયમ મહિલા હેલ્ટીપ લાઈનએ તેણીને આ રસ્તેથી પાછા વળવા સાથે મોજ-શોખ પાછળ જીવન બરબાદ થઇ રહ્યાનો અહેસાસ કરાવ્યો છે.
મહાનગરોની ભાગ-દોડભરી જીંદગીમાં માતા-પિતા આર્થિક રીતે બે છેડા ભેગા કરી,સંતાનોના ભણતર-ઘડતર માટે પેટે પાતા બાંધતા હોય છે ત્યારે, યુવા મિત્રોની સાથે તેમની બરોબરીમાં રહેવા યુવક કે યુવતીઓ કઈ પણ કરી છૂટવા તત્પર હોય છે. વગર વિચાર્યે લેવાયેલા આવા પગલાના પરિણામો,યુવા જિંદગીને કઈ ગર્તામાં ધકેલી દે છે તેનો આ જીવતો-જાગતો દાખલો છે.