રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી ખ્યાતનામ હોટેલ ઇમ્પીરિયલ પેલેસ હોટલમાં રૂમ નંબર 608માં કપડાં વગર ડાન્સનો વાઇરલ વીડિયો અંગે તપાસમાં પોલીસની ઢીલી નીતિ હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું છે. ટેક્નોસેવી રાજકોટ પોલીસ વીડિયો ઉતારનાર કે વાઇરલ કરનાર સુધી હજુ સુધી પહોંચી ન શકતા તપાસ સામે સવાલો ઉદભવી રહ્યા છે.
રાજકોટ શહેરમાં ગત શુક્રવારે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં એક યુવતી હોટલમાં કપડાં વગર ડાન્સ કરતી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં વાઇરલ વીડિયો અંગે તપાસ માટે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ હોટલ ઇમ્પીરિયલ પેલેસ ખાતે પહોંચી હતી. અહીં સીસીટીવી ફૂટેજ તેમજ રજિસ્ટર ચકાસી તપાસ શરૂ કરી હતી અને તેમાં દિલ્હીથી આવેલું કપલ બે દિવસ સપ્ટેમ્બર મહિનાના અંતમાં આવી રોકાયું હોવાનું ખુલ્યું હતું.
જોકે પોલીસ તપાસમાં મુખ્ય ત્રણ મુદા હતા અને ત્રણ પૈકી એક મુદ્દો એ છે કે વીડિયો કોણે અને ક્યારે ઉતારી વાઇરલ કર્યો હતો. પરંતુ વાઇરલ વીડિયોની ઘટનાને 4 દિવસ થયા છતાં પોલીસ વીડિયો ઉતારનાર કે વાઇરલ કરનાર સુધી પહોંચી શકી નથી. ઉલ્લેખનીય છે કે હાલ જે મુજબ તપાસ ચાલી રહી છે તે જોતા પોલીસની જ તપાસ સામે સવાલો ઉઠી રહ્યા છે અને ક્યાંકને ક્યાંક પોલીસ તપાસમાં ઢીલાશ દાખવતી હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું છે.
રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ સી.જે. જોશીએ જણાવ્યું હતું કે, વાઇરલ વીડિયો અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન પોલીસે 23, 24, 25 અને 26 સપ્ટેમ્બર એમ કુલ ચાર દિવસના સીસીટીવી ફૂટેજ કબ્જે કર્યા છે. અને વાઇરલ વીડિયો અંગે તપાસ કરવામાં આવી રહી છે. જેમાં વીડિયો ક્યારે અને કોણે ઉતાર્યો એ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. જેમાં ચર્ચા મુજબ જો વીડિયો શુક્રવાર અથવા શનિવાર રાત્રિના હોવાનું કહેવાય તો આ દિવસ દરમિયાન દિલ્હીના એક કપલે હોટેલના રૂમ નંબર 608માં બે દિવસ સ્ટે કર્યો હોવાનું સામે આવી રહ્યું છે.
હાલ વીડિયો ઉતારનારની શોધ કરી વીડિયો FSLમાં મોકલવા માટે કામગીરી કરવામાં આવશે. જો વીડિયો શુક્રવાર અથવા શનિવાર રાત્રિનો હોય તો દિલ્હીનું કપલ રોકાયું હોવાનું અને કોઈ પાર્ટી ન થઈ હોવાનું સ્પષ્ટ થઇ શકે છે. પરંતુ વીડિયો 23, 24, 25 કે 26 સપ્ટેમ્બર પહેલાનો હોય તો ફરી અલગ તપાસ કરવી પડે અને રેકોર્ડ તેમજ સીસીટીવી ફૂટેજ તપાસવા પડે.
ત્યારે સવાલ એ છે કે, પોલીસ વીડિયો ઉતારનાર સુધી ક્યારે પહોંચશે અને વીડિયો ક્યારનો છે તે માટે FSLની મદદ લેવામાં આવશે તો આટલા સમય બાદ ફરી જરૂરિયાત ઉદભવે તો CCTV ફૂટેજનું બેકઅપ કેવી રીતે મેળવી શકશે? ઉલ્લેખનીય છે કે માત્ર 4 દિવસના સીસીટીવી ફૂટેજ કબ્જે કરી શા માટે સમગ્ર સપ્ટેમ્બર મહિનાના ફૂટેજ કબ્જે ન કર્યા? આ પણ સવાલ પોલીસની તપાસ સામે સીધી રીતે ઉઠી રહ્યો છે.