આ લહેરમાં બેથી ત્રણ દિવસમાં જ દર્દીઓના ફેફસાને સંક્રમિત કરે છે
કરમસદ મેડિકલના ડો. વૈશ્નવ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં ડો. વૈશ્નવ દ્વારા કોરોનાની બીજી લહેરમાં દર્દીઓની પરિસ્થિતિ અને ઉભી થતી સમસ્યાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, ડો. વૈશ્નવે જણાવ્યું હતું કે, રાજ્ય અત્યારે કોરોના મહામારીની બીજી લહેર ચાલી રહી છે. આ લહેર આગળની લહેર કરતા અલગ તરી આવે છે. આ લહેરમાં બેથી ત્રણ દિવસમા જ દર્દીઓના ફેફસાને સંક્રમિત કરે છે અને તેમને હાઈફોકસીયા થઈ જાય છે. દર્દીઓની હાલત ગંભીર બનતા તેને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી છે.
નાના બાળકો, નવજાત બાળકો અને તરુણોમાં પણ વધારે ગંભીર લક્ષણો જોવા મળે છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અગાઉની લહેરમાં નાના બાળકોમાં સંક્રમણ ઓછું જોવા મળતું હતું પરંતુ આ લહેરમાં નાના બાળકો, નવજાત બાળકો અને તરુણોમાં પણ વધારે ગંભીર લક્ષણો જોવા મળે છે, આવા દર્દીઓને ફેફસામાં વાઇરસનું ઈનવોલમેન્ટ વધી જવાથી સંબોસિસ (લોહી નું ગંઠાઈ જવું) વધારે પ્રમાણમાં જોવા મળે છે. જેથી દર્દીઓમાં લકવા, હાર્ટ અટેક, અને પગની બીમારીઓ જોવા મળે છે, ઘણા કિસ્સામાં દર્દીના પગમાં બ્લડ કોટના કારણે ગેગ્રીન થતાં પગ કાપવાની સ્થિતિ પણ ઉદભવે છે.
બીમારી ખૂબ ઝડપથી વધી રહી છે
ડૉ વૈશ્નવના જણાવ્યા પ્રમાણે આ બીમારી ખૂબ ઝડપથી વધી રહી છે, તેની માત્રા વધારે છે અને તે નાની ઉંમરના દર્દીઓમાં વધુ પ્રમાણમાં જોવા મળી રહે છે. આ બીમારીના લક્ષણોમાં વ્યાપક બદલાવ જોવા મળી રહ્યા છે, પહેલાના દર્દીઓની સરખામણીમાં અત્યારના દર્દીઓના લક્ષણોમાં બદલાવ જોવા મળી રહ્યો છે.
આ લહેરમાં પ્રજાએ કેવી સાવચેતી રાખવી જોઈએ ?
ડો. વૈશ્નવના જણાવ્યા પ્રમાણે વર્તમાન કોવિડના સંક્રમણથી બચવા માટે દરેક માણસે કોવિડની એપ્રોપ્રિએટ ગાઈડલાઇનનું ચૂસ્ત પાલન કરવું જોઈએ, હાથ ધોવા, માસ્ક પહેરવું, મોઢું ધોવું, કોગળા કરવા, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું, સ્વસ્થ રહેવા સાથે પૂરતો પૌષ્ટિક ખોરાક લેવાની ડોકટર દ્વારા અપીલ કરવામાં આવી હતી.
કોરોનાની વેક્સિન કેટલી અસરકારક છે ?
ડો. વૈશ્નવના જણાવ્યા પ્રમાણે હાલ દેશમાં આપવામાં આવતી બન્ને રસી પોતપોતાની રીતે યોગ્ય અસરકારક છે, સામાન્ય અવલોકન પ્રમાણે દર્દીઓ જ્યારે રસીના બન્ને ડોઝ એક જ પ્રકારની રસીના લે તો તેમાં કોરોનાના સંકરણમાં 60થી 70 ટાકા અસરકારક સાબિત થઇ રહી છે, જેથી કહી શકાય કે રસી લીધા બાદ જો કોઈ કોરોના સંક્રમણનો ભોગ બને છે તો તેને કોરોનાની ઓછી અસર થાય છે. જે માઈલ્ડ સિમટમ્સ બને છે, માટે ડો. વૈશ્નવ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે વધુમાં વધુ લોકો રસીના બન્ને ડોઝ લઈને ખોટી માન્યતાઓ અને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી હતી.
રેમડેસીવીર ઇન્જેક્શન કોરોનાનો રામબાણ ઈલાજ છે?
એપ્રિલ માસમાં કોરોના દર્દીઓમાં ઓક્સિજનની ઘટ થવી અને ફેફસામાં ઇન્ફેક્શન લાગવાના લક્ષણો જોવા મળી રહે છે ત્યારે રેમડેસીવીર ઇન્જેક્શન એક એન્ટિવાયરલ દવા છે. જે કોરોના સંક્રમણમાં પ્રાથમિક અને માઈલ્ડ લક્ષણોના દર્દીઓમાં વાઇરસની અસર ઓછી કરે છે પરંતુ જ્યારે દર્દીને ગંભીર લક્ષણો દેખાવા લાગે છે ત્યારે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવે છે. આ સંજોગોમાં જ્યારે દર્દીને રેમડેસીવીર ઇન્જેક્શન આપવામાં આવે છે ત્યારે તે બચી જશે એ માની લેવું જોઈએ નહીં, દર્દીની સારવારમાં રેમડેસીવીર એક ઉપયોગી દવા છે પણ એ રામબાણ ઈલાજ નથી. માટે દર્દીઓના સગા અને દર્દીએ આ ઇન્જેક્શન ન મળવા કે આપ્યા બાદ અસર ન થતાં અફસોસ રાખવો જોઈએ નહીં તેવી ડૉક્ટર વૈશ્નવ દ્વારા અપીલ કરવા આવી હતી.