સાસુઓ એ ભૂલી જાય છે કે કોઇપણ છોકરીને પોતાનું ઘર અને કુટુંબ છોડતી વખતે કેટલી માનસિક અને શારીરિક પરેશાની થતી હોય છે. આવા વખતે તેને સધિયારો અને પ્રેમની હૂંફ આપવાને બદલે તેના દરેક કામમાં ખામી કાઢવામાં આવે છે.
નવી વહુ ઘરમાં આવે એટલે ઘરમાં આનંદનું વાતાવરણ છવાઇ જાય. વહુ જ્યારે નવા ઘરમાં આવે છે, ત્યારે બધાં તેને ખૂબ લાડકોડથી રાખે છે. વહુ પણ ઇચ્છે છે કે તે પોતાના વ્યવહારથી ઘરનાં બધાનું મન જીતી લે. તે સાસરીની રીતભાત શીખવાનો પ્રયત્ન કરે છે અને ઘરકામમાં પણ મદદ કરે છે, પરંતુ ઘણીવાર અજાણતાં જ તેનાથી કેટલીક ભૂલો થઇ જાય છે, કેમ કે ઘર ચલાવવા માટે જરૂરી હોય એવા બાંધકામ એ પિયરમાં શીખી હોતી નથી. આવા સમયે ઘરનાં સભ્યોની ખાસ કરીને સાસુની ફરજ બને છે કે નવી વહુને પ્રેમથી પોતાના ઘરની રીતભાત અને કામકાજ વિશે સમજાવે, કેમ કે તે તો આ ઘરના રીતરિવાજથી એકદમ અજાણ હોય છે, એટલે ધીરે ધીરે એને તમારા ઘરનાં વાતાવરણને અનુરૂપ બનાવો.
કોઇવાર સાસુ વહુને પોતાની હરીફ સમજવા લાગે છે, ત્યારે વહુને સાસરાની કઠોર હકીકતનો સામનો કરવાનો આવે છે. જેથી ઘરનું વાતાવરણ તંગ થઇ જાય છે. સાસુ વહુના દરેક કામમાં કંઇને કંઇ ઉણપ કાઢ્યા કરે છે. વહુને નીચી દેખાડવા માટે એના વિશે કોઇ કંઇ પૂછે તો એમ જ કહે છે કે, ”કામકાજમાં તો મીંડુ છે, કોણ જાણે પિયરમાં મા-બાપે શું શિખવાડયું હશે?
આવી સાસુઓ એ ભૂલી જાય છે કે કોઇપણ છોકરીને પોતાનું ઘર અને કુટુંબ છોડતી વખતે કેટલી માનસિક અને શારીરિક પરેશાની થતી હોય છે. આવા વખતે તેને સધિયારો અને પ્રેમની હૂંફ આપવાને બદલે તેના દરેક કામમાં ખામી કાઢવામાં આવે છે.
આમ પણ આપણા સમાજમાં એવી માન્યતા છે કે દીકરાની વહુ ઘરમાં આવતાં જ એને ઘરની બધી જવાબદારીઓ સોંપી દો. વહુ જો એ જવાબદારીઓ સારી રીતે ન નિભાવી શકે, તો એના દરેક કામમાં ખામી કાઢો અને જો તે બધાં જ કામ સારી રીતે પૂરાં કરી શકતી હોય તો એને જબરી કહીને વગોવો.
અમુક સાસુઓને તો ખુશ રહેવું ગમતું જ નથી. વહુના કામમાં જ્યાં સુધી કોઇ ખોડખાંપણ ન કાઢે, ત્યાં સુધી એમને ખાવાનું પચતું નથી.
માની લઇએ કે તમારી વહુને ઘરના કામકાજમાં જોઇએ એવી ફાવટ ન હોય, પરંતુ એ વાત પણ વિચારોને કે લગ્ન પહેલાં તે ભણવામાં એટલી બધી રોકાયેલી હતી કે ઘરનાં કામકાજ શીખી શકી નથી. ભણવાનું પૂરું થતાં જ તેનાં લગ્ન કરી દેવાયાં છે.
હવે સાસુની એ ફરજ બને છે કે તે પોતાની વહુને ઘરકામમાં કુશળ બનાવે, તેના કામમાં ખામીઓ ન શોધતી ફરે. આમેય બધાં જ કંઇ દરેક કામમાં નિપૂણ નથી હોતા. જો વહુ ભણેલી ગણેલી અને યોગ્ય હોય તો એની આવી કોઇ એક ખામીનો સ્વીકાર કરી લેવો જોઇએ, કેમ કે એની આ ખામી તો સાસુ પણ સુધારી શકે છે.
અંકિતાનાં લગ્નને હજી ચાર મહિના જ થયા હતા. અને બે મહિના પછી એના પતિની અમદાવાદથી બહાર બદલી થવાની હતી. અંકિતાને પણ સાથે જવાનું હતું, પરંતુ એને હજી રસોઇ અને ઘરકામનો પૂરતો અનુભવ નહોતો, એટલે બિચારી અકળાતી હતી. એણે એની સાસુને કહ્યું, ”બા, મારે તમારી રસોઇ જેવી રસોઇ બનાવતાં અને ઘર સંભાળતાં શીખવું છે.”
સાસુમા તો આ સાંભળી ખુશ થઇ ગયાં અને તેમણે બે મહિનામાં તો અંકિતાને બધાં જ કામકાજમાં પારંગત કરી દીધી.
મા-દીકરી જેવો સંબંધ રાખો
નવોઢા નવા ઘરના વાતાવરણથી અજાણ હોય છે. ઘરના રિવાજ, રીતભાત અને વ્યવહારથી પણ તે એકદમ અજાણ હોય છે. એવામાં સાસુ જ ઘરમાં એક એવી વ્યક્તિ હોય છે, જે એને એ વાતાવરણને અનુકૂળ થવામાં મદદ કરી શકે, પરંતુ આવું ત્યારે જ બની શકે, જ્યારે તે વહુ સાથે સાસુ નહીં પરંતુ એક મા જેવો વ્યવહાર કરે. એને વહુ નહીં પરંતુ પોતાની દીકરી જ ગણે.
સાસુએ પ્રેમાળ માનું રૂપ ધારણ કરવું જોઇએ. વહુનો ઘરકામ કરવામાં ઉત્સાહ ત્યારે જ જળવાશે, જ્યારે સાસુ તેના કામમાં ભૂલો ન કાઢે. એની નાની નાની ભૂલો માફ કરીને તેમને સુધારવાનો પ્રયત્ન કરે. એક સ્ત્રી હોવાથી તે વહુની માનસિક સ્થિતિને સારી રીતે સમજી શકે છે.
મારી એક બહેનપણી છે સરલા. એણે હમણાં જ એના દીકરાનાં લગ્ન એક ભણેલી-ગણેલી છોકરી સંધ્યા સાથે કર્યા. સંધ્યા સુંદર પણ છે. સાસુ સસરા અને પતિએ એને પ્રેમ અને લાગણીથી પોતાની બનાવી લીધી. થોડા દિવસ પછી ઘરના રિવાજ પ્રમાણે એણે પહેલીવાર રસોઇ બનાવવાની હતી. એમાં એણે કોઇ મિષ્ટાન બનાવવાનું હતું. સાસુએ જ્યારે એને સોજીનો શીરો બનાવવાનું કહ્યું, ત્યારે તે મૂંઝાઇ ગઇ. એણે ધીરેથી સાસુમાને પોતાની મૂંઝવણ જણાવી કે, ”મમ્મી, મને તો શીરો બનાવતાં આવડતું જ નથી.” આમ પણ આજના જમાનામાં હવે શીરો, લાપસી, લાડવા ક્યાં કોઇ ખાય છે?
સરલા તરત જ સમજી ગઇ કે વહુને ઘરકામનો અનુભવ નથી, પરંતુ તે ગુસ્સે થયા વગર હસીને બોલી, ”કંઇ વાંધો નહીં વહુ, તું ફક્ત તાવેથો હલાવજેને, આપણે તો ફક્ત શુકન જ કરવા છે ને? બાકી હું સંભાળી લઇશ. ધીરે ધીરે તને બધું કામ શિખવાડી દઇશ.”
સાસુના આવા વર્તનની સંધ્યાના મન ઉપર ખૂબ સારી છાપ પડી. એક નાના સરખા કામમાં એને સાસુ માટે કાયમનું માન ઊભું થઇ ગયું. આજે તો સંધ્યા એની સાસુના પ્રતાપે એક સુઘઢ ગૃહિણી બની ગઇ છે.પ્રેમ અને પોતીકાપણું વરસાવીને સાસુ વહુની નજરોમાં માના સ્થાનથી પણ વિશેષ સ્થાન મેળવી શકે છે, જ્યારે ખોટી કચકચ અને રોકટોક એને વહુની નજરમાં ખરાબ પણ ચીતરી શકે છે.
એક તરફ સરલા છે, જેણે પોતાની સમજદારી અને ધીરજથી વહુનું મન જીતી લઇને એને એક કુશળ ગૃહિણી બનાવી દીધી, જ્યારે બીજી તરફ મૃદુલા છે. એણે એના મોટા દીકરા પંકજના લગ્ન પાયલ સાથે કર્યા. પાયલ ભણેલી અને સુંદર હતી. પિયરમાં સૌથી નાની હતી એટલે તેને ક્યારેય ઘરમાં કામ કરવાનો વારો જ નહોતો આવ્યો. એની બહેનો અને મમ્મીએ એમ વિચારીને એની પાસે કોઇ કામ ન કરાવ્યું કે, ”અમે છીએ ત્યાં સુધી એણે કામ કરવાની શી જરૂર છે? જ્યારે એના માથા પર જવાબદારી આવશે, ત્યારે શીખી જશે.” આ લાડપ્રેમમાં એકોઇ કામ શીખી જ નહીં, બસ ભણવા અને હરવાફરવામાં જ રહી.
સાસરે તે મોટી વહુ બનીને આવી હતી. સ્વાભાવિક રીતે જ સાસુને એમ થાય કે એની વહુ ઘરનાં કામકાજ સંભાળી લે, પરંતુ આ બાજુ પાયલને કોઇ કામ સરખી રીતે આવડતું જ નહોતું.
મૃદુલાએ એને પ્રેમથી બધુ શિખવાડવાના બદલે એના કામમાં ખામીઓ કાઢવાનું શરૂ કરી દીધું. પાયલને વાતવાતમાં સાંભળવા મળતું કે, ”તારી માએ તને બહુ લહેર કરાવી છે. હવે અહીં તારી બધી લહેર નીકળી જશે.” આનું પરિણામ એ આવ્યું કે મૃદુલા પાયલના મન પરથી એકદમ ઊતરી ગઇ અને છેવટે વાત જુદા થવા સુધી પહોંચી ગઇ.
અહીં જો મૃદુલાએ પાયલને દીકરી માનીને એને ઘરકામમાં કુશળ બનાવી દીધી હોત, તો કદાચ જુદા થવાની વાત જ ઊભી ન થાત. હવે તો પાયલ જેમ તેમ કરીને બધા કામ સારી રીતે કરી લે છે, પરંતુ સાસ-વહુ વચ્ચે જે તિરાડ પડી ગઇ છે, તે ભવિષ્યમાં પુરાય તેમ લાગતું નથી.
લગ્ન પછી વહુ તમારા જ ઘરની સભ્ય બની જાય છે, પછી એના કામમાં મીનમેખ કાઢી ઝઘડા કરવા, એ દીકરા- વહુના ભવિષ્ય સાથે ચેડાં કરવા સમાન છે.
અનુભવનું ભાથું વહુને ઉદારતાથી બંધાવો સાસુએ એટલું સમજવું જોઇએ કે જે કામ વહુ એનાં પિયરથી શીખી નથી આવી, તેને એ પોતે પણ શિખવાડી શકે છે. શું તમે વહુની ‘મા’ ન બની શકો? વહુ તો તમારી સાથે જીવનભર જોડાઇ ગઇ છે, એટલે એની સાથેનો સંબંધ મધુર હોવો જ જોઇએ.
સાસુ અને વહુનો સંબંધ વ્યવહારનો હોય છે, લોહીનો નહીં, એટલે વહુને દીકરીની જેમ રાખો. બને તો એથી પણ વિશેષ ગણો. જો શરૂઆતથી જ વહુને ઘર અને વડીલો પોતાનાં ન હોવાની લાગણી થશે, તો તે કુટુંબ સાથે એક થઇ શકશે, પરંતુ જો શરૂઆતમાં જ તેનું દિલ તૂટી ગયું હસે તો તે ભવિષ્યમાં બધાંને સાચા મનથી અપનાવી શકશે નહીં.