ખરેખર કાળા મરી, મધ અને આદુથી કોલોના મટાડી શકાય? જાણો આ નુસ્ખાની હકીકત

હેલ્થ

દેશભરમાં કોરોના વકરી રહ્યો છે. કોરોનાના ઈન્ફેક્શનને રોકવા માટે કેન્દ્ર સરકાર મહત્તમ લોકોને વહેલી તકે રસી મળી જાય તેવો પ્રયાસ કરી રહી છે. પરંતુ અનેક લોકો કોરોનાથી બચવા માટે દેશી નુસ્ખાઓ પણ અજમાવી રહ્યા છે. લોકો ઈમ્યુનિટી વધારવા માટે પણ જાતજાતની આયુર્વેદિક દવાઓ તેમજ ઔષધિઓની મદદ લઈ રહ્યા છે. જો કે મહામારીના આ સમયમાં સોશિયલ મીડિયા પર કોરોનાને લગતી જાતજાતની જાણકારીઓ વાયરલ થાય છે, જેમાંથી મોટા ભાગની ભ્રામક અને ખોટી હોય છે.

તાજેતરમાં જ મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેક્નોલોજીએ સોશિયલ મીડિયા કંપનીઓને આદેશ આપ્યો હતો કે પોતાના પેજ પરથી લોકોને ગુમરાહ કરે અને કોરોનાને લગતી ભ્રામક સૂચનાઓ આપે તેવી પોસ્ટ દૂર કરે. કોરોના ના થાય તે માટે લોકો આ પ્રકારના નુસ્ખા અને ઉપચાર પર આંખ બંધ કરીને ભરોસો કરે છે. પરંતુ ઘણી વાર આવા ઉપચાર નુકસાનકારક પણ સાબિત થતા હોય છે.

અત્યારે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કાળા મરી, મધ અને આદુના સેવનથી તમે કોરોનાને દૂર કરી શકો છો. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, પોંડિચેરી યુનિવર્સિટીના એક ભારતીય વિદ્યાર્થી રામૂએ કોરોનાના ઘરેલુ ઉપચારની શોધ કરી છે, જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા સ્વીકૃતિ મળી છે. તેણે સાબિત કર્યું છે કે એક ચમચી કાળા મરીનો પાવડર, બે ચમચી મધ, થોડો આદુનો રસ સતત પાંચ દિવસ સુધી આપવામાં આવે તો કોરોનાના પ્રભાવને 100 ટકા દૂર કરી શકાય છે.

આ પોસ્ટમાં કેટલું તથ્ય છે તેની તપાસ પીઆઈબીની ફેર્ટ ચેક ટીમ દ્વારા કરવામાં આવી અને જાણવા મળ્યું કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. પીઆઈબીના ટ્વિટર હેન્ડલ પર આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે અને સલાહ આપવામાં આવી છે કે આ પ્રકારના ભ્રામત મેસેજ શેર ના કરો અને કોરોનાને લગતી યોગ્ય જાણકારી મેળવવા માટે સત્તાવાર સ્ત્રોત પર જ વિશ્વાસ કરો.

નોંધનીય છે કે હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, ચોક્કસપણે આ ત્રણ પદાર્થ ઈમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરવા માટે ફાયદાકારક છે, કારણકે તેમાં એન્ટી માઈક્રોબિયર અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. પરંતુ તેનાથી કોરોનાની સારવાર થઈ શકે તે કહેવું યોગ્ય નથી. આ એક પાયાવિહોણી વાત છે. દરરોજ તમે ભલે ઈમ્યૂનિટી વધારવા માટે કુદરતી ઉપચાર કરતા હોવ, પરંતુ કોરોના સંક્રમિત થયા પછી આ ડોક્ટર પાસે જ સારવાર કરાવવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *